શ્રીગોવર્ધનનાથજીના પ્રાગટ્યનું ધોળ
(રાગ : શરદપૂનમની રાત જાણીને વ્હાલે રમવા કીધુ મન રે)
ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ રે,
નંદ-જશોમતિ કેરા લાલન, વ્રજ કીધુ સનાથ - ગોવર્ધન રસિયા રે,
મારે મન વસિયા વ્રજનાથ, મધુરું વહાલો હસિયા રે...ટેક
શ્રાવણ સુદ પાંચમના દહાડે, થયું ભુજા દરશન રે,
ગિરિકંદરામાં બિરાજે વહાલો, શું કહું પ્રસન્ન વદન - ગોવર્ધન
ઘણા દિવસ ભૂજાનું પૂજન, ચાલ્યુ તે વ્રજમાંય રે,
દૂધ લઈને સ્નાન કરાવે, મહિમા કહ્યો નવ જાય - ગોવર્ધન
છિદ્ર સહિત શિલા ગિરિવરની, તેમાં શ્યામ સ્વરૂપ રે,
એક ગાય ત્યાં નિત્ય જાય છે, દૂધ સ્રવે તદ્રૂપ - ગોવર્ધન
એક બ્રાહ્મણની ગાય હતી તેણે, પૂછી ગોવાળીયાને પેર રે,
દૂધ ઘટે છે નિત્ય કેમ મારું ? દોહી લઈ જાય તું ઘેર - ગોવર્ધન
ત્યારે ગોવાળીયાએ એમ કહ્યું, ખબર કાહું નિર ધાર રે,
કોણ પ્રકાર થાય છે આ ગૌનો, કહું સમજાવી સાર - ગોવર્ધન
સાંજ-સવાર ગૌ ટોળામાંથી, ગિરિવર ઉપર જાય રે,
ઉભી રહીને દૂધ સ્રવે નિત્ય, પ્રાણજીવનને પાય - ગોવર્ધન
ગૌ પ્રકાર જોઈ ગોવળીયો, બ્રાહ્મણને લાવ્યો સંગે રે,
અચરજ જોઈ વિસ્મય થયું મન, કહાવ્યું સૌને ઉમંગે - ગોવર્ધન
સૌ વ્રજવાસી ગિરિ પર આવ્યા, બોલ્યા મુખથી બોલ રે,
કોઈ દેવતા કે દ્રવ્ય હોય એમ, કીધો મુખથી તોલ - ગોવર્ધન
ગિરિ શિલા ઉંચકીને જોયું, તો દીઠા સુંદર શ્યામ રે,
પૂછ્યું દેવતા પર્વત કેરા, શું છે તમારું નામ - ગોવર્ધન
પ્રાણજીવન ત્યારે એમ બોલ્યા કે, દેવદમન મુજ નામ રે,
મહિમા ચાલ્યો વ્રજમાં ઝાઝો, પૂર્ણ કરે મન કામ - ગોવર્ધન
દહી - દૂધ વ્રજવાસી કેરા, આરોગે નંદલાલ રે,
ઝારખંડમાં જઈ મહાપ્રભુજીને, આજ્ઞા કરી તત્કાલ - ગોવર્ધન
ઈંદ્ર, નાગને દેવદમનતે, પ્રગટ થયા વ્રજમાંહે રે,
ગિરિવર ઉપર આપ પધારી, સેવા ચલાવો ને ત્યાંય - ગોવર્ધન
મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, સદુ પાંડેને ઘેર રે,
વચન સૂણ્યાં ગિરિવર પ્રભુના, વાત પૂછી કરી પેર - ગોવર્ધન
સદુ પાંડે શ્રીમહાપ્રભુજીને, કહે છે પ્રાગટ્યનો પ્રકાર રે
દેવદમન નામે પ્રગટ થયા છે, મહિમા અપરંપાર - ગોવર્ધન
ગિરિવર ઉપર આપ પધાર્યા, સામા મળ્યા નીજ નાથ રે,
અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું, જોડયા પછી બે હાથ - ગોવર્ધન
ગોવર્ધન ઉદ્ધરણ ધીરનું, નામ ધર્યું શ્રીનાથ રે,
મોરપિચ્છનો મુગટ ધરાવ્યો, બંસી દીધી હાથ - ગોવર્ધન
પાટે બેસાડીને ભોગ ધરાવ્યો, ત્યાંથી પધાર્યા આપ રે,
નિજ જન મન આનંદ વધાર્યો, દૂર કીધા તન તાપ - ગોવર્ધન
