શ્રીયમુના કવચમ્
(ગર્ગસંહિતા માધુર્યખંડે - અધ્યાય - ૧૬ મો)
માંધાતા કહે છે : હે મહાભાગ, સર્વથી નિર્મળ
એવું શ્રીકૃષ્ણની રાણી યમુનાનું કવચ મને આપો, ને
હું નિરંતર ધારણ કરીશ.
સૌભરિ મુનિ કહે છે : “હે મહામતે રાજન, સર્વની
રક્ષા કરનારું, મનુષ્યોના ચાર અર્થોને આપનારું
સાક્ષાત્ શ્રીયમુનાજીનું કવચ સાંભળો.”'
શ્રીયમુનાજીના આ કવચમાં બે પ્રકારની
શક્તિઓ છે.
(૧) જેમ ફૂલને લાગેલ વજ-કવચ ફૂલની રક્ષા
કરે છે, લોખંડનું કવચ-બખ્તર શરીરની રક્ષા કરે
છે, તેમ આ કવચ પ્રાણીમાત્રની સર્વ પ્રકારે રક્ષા કરે
છે. (૨) પોતાના વડે સુરક્ષિત જીવનના ચાર પુરુષાર્થો
ધર્મ-અર્થ-કામ અને મોક્ષ આપે છે.
-: કવચને ધારણ કરવાની રીત :-
સૌ પ્રથમ સ્નાન કરી, પૂર્વાભિમુખ (પૂર્વ દિશા
તરફ મોં રાખી) દર્ભાસન પર બેસવું. બ્રાહ્મણે
સંધ્યાવંદન કરવું. પછી મૌન ધારણ કરી, નેત્રો મીચી
શ્રીયમુનાજીના સ્વરૂપનું ધ્યાન કરવું.
શ્યામસુંદર સ્વરૂપવાળાં શ્રીયમુનાજી ચાર ભુજાઓ
અને કમળદળ લોચનથી સુંદરી સ્વરૂપે રથમાં
બિરાજમાન છે. આ પ્રકારે ધ્યાન કરી, શાંત અને
પ્રસન્ન અને એકાગ્ર ચિત્તથી, અર્થના અનુસંધાનપૂર્વક
આ કવચનો પાઠ કરવો.
યમુનાયાઃ કૃષ્ણરાજ્ઞાઃ કવચં સર્વતોમલં ।
દેહિ મહ્યં મહાભાગ ધારયિષ્યામ્યહં સદા ॥૧॥
માંધાતા કહે છે : હે ! મહાભાગ, હે ! મુનિ,
શ્રીકૃષ્ણના મહારાણી શ્રીયમુનાજીનું સર્વત્ર વિમળ
એવું પરમ પવિત્ર કવચ મને આપો. હું સર્વદા એ
કવચને ધારણ કરી રાખીશ.
: સૌભરિ ઋષિ ઉવાચ :
યમુનાશ્ચ કવચં, સર્વ રક્ષા કરે નૃણામ્ ।
ચતુષ્પદાર્થદં સાક્ષાત્ શૃણુ રાજન્મહામતે ॥૨॥
સૌભરિ ઋષિ કહે છે : પ્રાણી માત્રની સર્વ પ્રકારે
રક્ષા કરવાવાળાં, ધર્મ - અર્થ - કામ - મોક્ષ આપનારાં
એવાં સાક્ષાત્ શ્રીયમુનાજીનું કવચ હે ! મહામતિવાળા
માંધાતા રાજા તમને કહું છું તે સાંભળો.
કૃષ્ણાં ચતુર્ભુજાં શ્યામાં પુંડરીકદલેક્ષણામ્ ।
સ્વસ્થતાં સુન્દરીં ધ્યાત્વા ધારયેત્ કવચં તતઃ ॥૩॥
શ્યામ સુંદર સ્વરૂપ, ચાર ભુજાઓવાળા, કમળદળ
સમાન નેત્રોવાળા, સુંદરી સ્વરૂપ, રથમાં બિરાજમાન
થયેલાં એવાં શ્રીયમુનાજીનું મનુષ્યે પ્રથમ ધ્યાન
કરવું ને તત્પશ્ચાત્ આ કવચને ધારણ કરવું.
સ્નાતઃ પૂર્વમુખો મૌની કૃતસંધ્યઃ કુશાસને ।
કુશૈર્બદ્ધઃ શિખો વિપ્રઃ પઠે દ્વે સ્વસ્તિકાસનઃ ॥૪॥
પછી સ્નાન કરી પૂર્વાભિમુખ બેસી મૌન રાખી
દર્ભાસન પર બેસી, સંધ્યા વંદન કરી દર્ભથી શિખા
બંધ કરી સ્વસ્તિકાસન કરી બ્રાહ્મણે આ પ્રકારે કવચનો
પાઠ કરવો.
યમુના મે શિરઃ પાતુ કૃષ્ણા નેત્રદ્વયઃ સદા ।
શ્યામ ભ્રૂભંગદેશાં ચ નાસિકાં નાકવાસિની ॥૫॥
હે શ્રીયમુનાજી, તમે મારા મસ્તકની રક્ષા કરો.
હે કૃષ્ણા, તમે મારાં બે નેત્રોની રક્ષા કરો. હે શ્યામા,
તમે મારી બે ભ્રકુટિ (ભ્રમરો)ની રક્ષા કરો. હે નાક-
વાસિની, (ગોલોકવાસિની), તમે મારી નાસિકાની
રક્ષા કરો.
કપોલૌ પાતુ મે સાક્ષાત્, પરમાનંદ રૂપિણી ।
કૃષ્ણ વામાંશ સંભૂતા, પાતુ કર્ણદ્વયં મમ ॥૬॥
હે સાક્ષાત્ પરમાનંદરૂપા, તમે મારા બે ગાલની
રક્ષા કરો. શ્રીકૃષ્ણના વામ (ડાબા) ભાગમાંથી પ્રગટ
થયેલાં હે યમુને, તમે મારા બે કાનની રક્ષા કરો.
અધરૌ પાતુ કાલિન્દી, ચિબુકં સૂર્યકન્યકા ।
યમસ્વસા કન્ધરાં ચ, હૃદયં મે મહાનદી ॥૭॥
હે કાલિન્દી, તમે મારા બે હોઠની રક્ષા કરો. હે
સૂર્ય-કન્યા, તમે મારી હડપચીની રક્ષા કરો. હે યમ-
ભગિની, તમે મારા બે ખભાની રક્ષા કરો. હે મહા-
નદી, તમે મારા હૃદયની રક્ષા કરો.
કૃષ્ણપ્રિયા પાતુ પુષ્ટિં તટિની મે ભુજદ્વયમ્ ।
શ્રોણિતટં ચ સુશ્રોણિ, કટિ મે ચારુદર્શના ॥૮॥
હે શ્રીકૃષ્ણપ્રિયા, તમે મારા વાંસાની રક્ષા કરો.
હે તટિની, તમે મારી બે ભુજાઓની રક્ષા કરો. હે
સુશ્રોણિ, તમે મારા શ્રોણિતટ (નિતંબ પ્રદેશ)ની રક્ષા
કરો. હે ચારુદર્શના, તમે મારી કમ્મરની રક્ષા કરો.
ઉરુદ્વયં ચ રંભોરૂ જાનુની ત્વંઘ્રિભેદિની ।
ગુલ્ફૌ રાસેશ્વરી પાતુ, પાદૌ પાપહારિણી ॥૯॥
હે રંભોરુ, તમે મારા બે સાથળની રક્ષા કરો.
હે આંઘ્રિભેદિની, તમે મારા બે ગોઠણોની રક્ષા કરો.
હે રાસેશ્વરી, તમે મારી બે ઘૂંટીઓની રક્ષા કરો. હે
પાપહારિણી, તમે મારા બે ચરણોની રક્ષા કરો.
અન્તર્બહિરધશ્ચોર્ધ્વ, દિશાસુ વિદિશાસુ ચ ।
સમન્તાત્પાતુ જગતઃ પરિપૂર્ણ તમ પ્રિયા ॥૧૦॥
હે પરિપૂર્ણતમપ્રિયા, તમે અંદર, બહાર, નીચે,
ઉપર, દિશાઓમાં, દિશાઓના ખૂણાઓમાં અને
વિશ્વની આજુબાજુ સર્વત્ર મારી રક્ષા કરો.
ઇદં શ્રીયમુનાશ્ચ કવચં પરમાદ્ભુતં,
દશવારં પઠેદ્ભક્ત્યા, નિર્ધનો ધનવાન્ ભવેત્,
ત્રિભિઃ માસૈઃ પઠેચ્છ્રીમાન્, બ્રહ્મચારી મિતાશનઃ ।
સર્વ રાજ્યાધિપત્યત્વં પ્રાપ્યતે નાત્ર સંશયઃ ॥૧૧॥
આ પરમ અદ્ભૂત શ્રીયમુના મહારાણીનું કવચ
નિર્ધન મનુષ્ય દશ વાર ભક્તિ સાથે પાઠ કરે તો તે
લક્ષ્મીવાળો થાય છે. જો મિતભોજી, બ્રહ્મચારી,
વિદ્વાન, (બુદ્ધિશાળી), વિદ્વાન મનુષ્ય ત્રણ માસ પાઠ
કરે તો તે સર્વ રાજ્યના અધિપતિપણાને પામે છે.
એમાં કોઇ સંશય નથી.
દશોત્તરશતં નિત્યં, ત્રિમાસાવધિ ભક્તિતઃ,
યઃ પઠેત્પ્રયતો ભૂત્વા, તસ્ય કિં કિં ન જાયતે,
યઃ પઠેત્ પ્રાતરુત્થાય સર્વ તીર્થફલં લભેત્ ।
અન્તે વ્રજેત્પરં ધામ, ગોલોકયોગિ દુર્લભમ્ ॥૧૨॥
જો પ્રયત્નશીલ મનુષ્ય ભક્તિથી શ્રીયમુનાજીના
કવચનો ત્રણ માસ પર્યંત એકસો દશ વાર પાઠ કરે તો
શું નું શું ન થાય ? સઘળું જ ઇષ્ટ થાય છે. જે મનુષ્ય
પ્રાતઃ કાળમાં ઊઠી આ કવચનો પાઠ કરે તો તે સર્વ
તીર્થોના ફળને પામે છે અને અંતે યોગિને પરમ દુર્લભ
એવા પરમધામ ગોલોકવાસને પામે છે.
॥ ઇતિ શ્રીયમુના કવચ અર્થ સહિત સંપૂર્ણમ્ ॥
